રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત સપ્તાહનાં 2089 સામે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 2,298 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુ 5 અને ટાઇફોઇડ તાવના 6 કેસ તેમજ મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. તો શરદી-ઊધરસનાં સૌથી વધુ 1203 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2298 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઊધરસનાં ગત સપ્તાહનાં 1106 કેસ સામે આ સપ્તાહે 1203 કેસ, ઝાડા-ઊલટીનાં 452 સામે 517 કેસ અને સામાન્ય તાવનાં પણ 515 સામે 566 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 6 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.