રાજકોટના પડધરી પંથકમાં ગઈકાલે સાંજે 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે પડધરીના સરપદડથી શાલ પીપળિયા ગામ તરફ જવાના રસ્તે રાજાશાહી વખતનો બનાવવામાં આવેલો જર્જરિત 70 મીટરનો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ પુલ અલગ અલગ 20-21 જેટલાં ગામને જોડતો હતો. જોકે જિલ્લા પંચાયત દ્વારા બાજુમાં નવો પુલ બનાવીને આ પુલને નોન-યુઝ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ નવા પુલ ઉપર વાહનવ્યવહાર શરૂ કરી આ પુલ પરથી બંધ કરાયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ગઈકાલે વધારે વરસાદ આવતાં જ પુલનો કેટલો ભાગ જમીનમાં બેસી ગયો હતો. તો મોટા ખીજડિયા ગામે બાઈક સાથે પ્રૌઢ તણાયા હતા.
મળતી માહિતી અનુસાર, પડધરીના સરપદળ ગામ નજીક ડોંડી નદી પર 50 વર્ષ પહેલાં આ પુલ બનાવવામાં આવ્યો હતો. આશરે 70 મીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. બાદમાં આ પુલ જર્જરિત થતાં તેની બાજુમાં જ વર્ષ 2013-14માં નવો પુલ બનાવવામાં આવતાં જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગે આ જૂના પુલને નોન-યુઝ જાહેર કર્યો હતો. પંચાયત વિભાગ દ્વારા જર્જરિત પુલ પાસે જ ડોડી નદી ઉપર બનાવવામાં આવેલા બીજા પુલ ઉપરથી દૈનિક 10 હજાર જેટલાં વાહનો પસાર થાય છે, પરંતુ નદીના પાણીના કારણે પશ્ચિમ બાજુનો 250 ફૂટનો એક ભાગ ધોવાતાં આગામી દિવસોમાં મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા છે.