રાજકોટ શહેર અને જિલ્લામાં ગુરુવારે(26 જૂન) બપોરના સમયે બે ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે લોધીકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ સાથે ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇ ન્યારી નદીમાંથી પાણી વહેવા લાગ્યું હતું અને પાળ ગામ નજીક બ્રિજ નિર્માણ માટે તૈયાર કરાયેલ ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે રસ્તો બંધ થઇ ગયો હતો. લોકોએ અન્ય ગામડા માર્ગ ગોતી પાળ, રાવકી, લોધીકા સહીત ગામ જવા માટે અન્ય રસ્તો પસંદ કર્યો હતો જેના કારણે લગભગ ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હતું. જો કે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા ફરી આ જગ્યા પર સમારકામ કરી માર્ગ શરૂ કરવા કવાયત કરવામાં આવી છે પરંતુ ફરી જો વધુ વરસાદ આવશે તો ફરી પાછી એ જ સ્થિતિ થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં બે દિવસ પહેલા પડેલા વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી જવા પામી છે. રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાળ ગામ નજીક ન્યારી નદી ઉપર બ્રીજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં બ્રિજની બાજુમાંથી ડાયવર્ઝન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે આવેલા વરસાદના કારણે ન્યારી નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા બ્રિજની બાજુના ડાયવર્ઝન માર્ગનું ધોવાણ થઇ જતા વાહન ચાલકો માટે અવરજવરનો માર્ગ બંધ થઇ ગયો હતો. લોકોએ બીજી તરફથી અન્ય ગામ પાળ, રાવકી, લોધીકા સહિત જવા ફરજ પડી હતી જેના કારણે રોજના હજારો વાહનચાલકોને લગભગ 3થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે.