રાજકોટમાં વોર્ડ નંબર 14માં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખના ભાઈ સહિત 2 શખ્સ દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. આ પ્રકરણમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખની પણ સંડોવણી હોવાનુ પોલીસ તપાસમાં ખૂલતા તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, તે નાશી છૂટયો હતો. આ મામલે આ વોર્ડના કોર્પોરેટરે પણ ભલામણ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે આજે આ મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, દારૂ પ્રકરણમાં વોર્ડ નંબર 14ના બક્ષીપંચ મોરચાના પ્રમુખની ધરપકડ થશે તો તેને બરતરફ કરવામાં આવશે. જોકે, આ વખતે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, કોઈ કાર્યકર્તા લોક પ્રતિનિધિ એટલે કે, કોર્પોરેટર સમક્ષ જાય તો તે લોક પ્રતિનિધિને જવું જોઈએ. જેથી અહીં સવાલ એ થાય છે કે, શું દારૂ પ્રકરણમાં ભાજપનો કોઈ કાર્યકર્તા લોક પ્રતિનિધિ પાસે જાય તો તેમાં પણ આ લોક પ્રતિનિધિએ ભલામણ માટે જવું જોઈએ?
રાજકોટનાં ગોપાલનગરમાં રહેતા વોર્ડ નં. 14ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવડાના ઘર પાસે પોલીસે દરોડો પાડી પાર્ક કરાયેલી કારમાં રખાયેલો દારૂ- બીયરનો જથ્થો ઝડપી લીધો હતો. કારમાં પ્રમુખનો ભાઇ અને અન્ય એક શખ્સ મળી આવ્યા હતા. દારૂના કારોબારમાં આ પ્રમુખની પણ સંડોવણી ખૂલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. ગાયત્રીનગર મેઇન રોડ પર ગોપાલનગર-9માં ખોડિયાર કૃપા નામના મકાન સામે પ્રિયાંક લોખીલ અને મીત દેવડા કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાની માહિતી મળતાં ભક્તિનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બંનેને 54 બોટલ દારૂ અને 24 ટીન બીયરના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતાં દારૂના કાળા કારોબારમાં આરોપી મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી ખૂલી હતી. પોલીસે તેના ઘરે તપાસ કરી હતી, પરંતુ જયદીપ દેવડા નાસી છૂટ્યો હોવાથી હાથ આવ્યો નહોતો. જયદીપ દેવડા શહેરના વોર્ડ નં. 14નો ભાજપ બક્ષીપંચ મોરચાનો પ્રમુખ છે.