અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીના મોતની મજાક ઊડી

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કારે ટક્કર મારતાં ભારતીય વિદ્યાર્થિની જાન્હવી કમડુલાનું મોત થયું હતું. આ પછી અકસ્માતની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીએ તેના મોતની મજાક ઉડાવી હતી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

બીબીસીના અહેવાલ મુજબ, ઘટનાની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીની કારનો એક વીડિયો અને ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે ભારતીય વિદ્યાર્થિનીના જીવનની લિમિટેડ વેલ્યુ હતી. તેને 11 હજાર ડોલર આપી દઈશું એટલે કામ પતી જશે.

જ્યારે પોલીસ અધિકારી વિદ્યાર્થિનીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે તેનો બોડીકેમ એટલે કે તેના બોડી પર લગાવાયેલો કેમેરો ચાલુ હતો, જેના કારણે તમામ વાતો રેકોર્ડ થઈ ગઈ હતી. પોતાની કારમાં બેસીને તેઓ કહી રહ્યા હતા કે અકસ્માત બાદ યુવતી 40 ફૂટ સુધી ઊછળી નહોતી, પરંતુ તે મૃત્યુ પામી હતી.

આ પછી પોલીસકર્મી જોર જોરથી હસે છે. પછી તેઓ કહે છે કે 11,000 ડોલરનો એક ચેક લખી આપો, કામ થઈ જશે. ત્યારે પોલીસ અધિકારી હસીને કહે છે કે તે માત્ર 26 વર્ષની હતી. તેની લિમિટેડ વેલ્યુ હતી.

8 મહિના પછી ઘટનાનો ઘટસ્ફોટ
જાન્યુઆરી મહિનામાં જાન્હવીનું મોત થયું હતું. સિએટલ પોલીસે જણાવ્યું હતું કે તેના મૃત્યુની મજાક ઉડાડવામાં આવી હતી એનો ઘટસ્ફોટ આ મહિને થયો છે. જ્યારે તેમના એક કર્મચારીએ રૂટિન ચેકિંગ માટે બોડીકેમમાંથી રેકોર્ડ કરાયેલો ઓડિયો સાંભળ્યો હતો. કર્મચારીને જાન્હવી પર કરવામાં આવેલી ટિપ્પણીઓ વાંધાજનક લાગી અને તેણે તેના સિનિયરોને આ વિશે ફરિયાદ કરી હતી.

આ પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર તેમણે વિદ્યાર્થિનીને CPR પણ આપ્યું હતું. આંધ્રપ્રદેશની રહેવાસી જાન્હવી કમડુલા આ વર્ષે ડિસેમ્બરમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવાની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *