રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા પાસે સ્થિત હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટતાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. એરપોર્ટના રન-વે પાસેની 15 ફૂટ ઊભી અને 50 ફૂટ જેટલી પહોળી બોર્ડર વોલ ધરાશાયી થઈ જતાં હાલ દિવાલને બદલે જાળી મૂકાયેલી છે એવામાં હવે દિવાલ તૂટતાં આસપાસના ખેતરોમાં પાણી વહી જતાં પાક અને જમીનનું ધોવાણ થઈ જતા ગામનાં સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્ય સમક્ષ વળતર આપવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાનાં લોમા કોટડી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ મૂળુભા ગઢવીએ થાનગઢ-મુળી-ચોટીલા વિસ્તારના ધારાસભ્ય શામજી ચૌહાણને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે, લોમા કોટડી ગામમાં અતિભારે વરસાદ થવાથી અમારા ગામમાં ખેડૂતોના પાકોને ભારે નુકશાન થયું છે તેમજ અમારા ગામમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પાણી ભરાવાથી તેની દિવાલ તૂટી જતાં આજુબાજુમાં આવેલ ખેડૂતોની જમીનનુ ધોવાણ થયેલ છે. આખેઆખો પાક નિષ્ફળ ગયેલો છે. ખેડુતોએ શાકભાજીનુ વાવેતર કરેલ હતુ તે શાકભાજીના પાકને ભારે વરસાદ થવાથી સાવ બળી ગયેલ છે તેમજ પાક બગડી ગયેલ છે. આર્થિક રીતે ખેડૂતો પહોંચી વળી શકે તેમ ન હોય જેથી, તાત્કાલિક સર્વે કરાવવા તેમજ અમુક ખેડૂતોની જમીનનુ મોટા પાયે ધોવાણ થયેલ છે તેને આર્થિક સહાય વળતર આપવા માંગણી છે. જેની નકલ ચોટિલાના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ મોકલવામાં આવી છે.