Ph.Dના એક વિદ્યાર્થીની 8 હજાર ફી સામે ખર્ચ 25 હજાર, જંગી વધારો થઇ શકે છે!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીની પીએચડીની આખા સત્રની ફી રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની સરખામણીએ સૌથી ઓછી છે, આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી આ ફીમાં વધારો કર્યો નથી, પરિણામે યુનિવર્સિટી ઉપર ખર્ચનું ભારણ આવતા હવે પીએચડીની ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.

પીએચડીના એક વિદ્યાર્થીની સત્ર ફી આશરે 8 હજાર થાય છે જેની સામે યુનિવર્સિટીને આશરે રૂ.25 હજારનો ખર્ચ થાય છે. આ અંતરને સરભર કરવા માટે આગામી દિવસોમાં પીએચડીની ફીમાં જંગી વધારો કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. જોકે, ફી વધારાનો પ્રસ્તાવ આવતા કેટલાક વિદ્યાર્થીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. અનેક વિદ્યાર્થીઓનું માનવું છે કે ફી વધારાથી સામાન્ય અને પછાત વર્ગના વિદ્યાર્થી પર વિપરીત અસર પડશે.

શુક્રવારે કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી પીએચડીની ફીમાં કોઈ વધારો કરાયો નથી. આ ઉપરાંત અન્ય યુનિવર્સિટીની પીએચડીની ફીની સરખામણીમાં આપણે ત્યાં સૌથી ઓછી ફી છે. અન્ય યુનિવર્સિટીમાં આશરે 25થી 50 હજાર સુધીની ફી હોય છે. ઉદાહરણ તરીકે હાલ એક વિદ્યાર્થી દીઠ આપણને ફી રૂ. 8 હજાર મળે છે જેની સામે ખર્ચ રૂ. 25 હજાર જેટલો થાય છે. તેથી પીએચડીની ફી વધારવા પ્રસ્તાવ મુકાયો છે જેની હાલ માત્ર ચર્ચા જ થઇ છે. આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *