મોંઘવારીમાં થયેલા ઘટાડાને પગલે કાચા માલનો ખર્ચ એક તૃતીયાંશ ઘટી ગયો છે. પરિણામે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશની કંપનીઓનો નફો 45.94% સુધી વધી ગયો છે. આ આંકડો છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ છે. નફો વધવાનું સૌથી મોટું કારણ એ છે કે કંપનીઓએ નાણાકીય શિસ્ત પર ભાર મૂક્યો છે. જેમ કે, વીજળી અને ઈંધણમાં થતો ખર્ચ 44% સુધી ઘટાડ્યો છે. આ પહેલાં કંપનીઓએ સપ્ટેમ્બર 2021માં પહેલા ત્રિમાસિકમાં 56.3% નફો કર્યો હતો. આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના તાજા અહેવાલમાં સામે આવ્યા છે.
શેરબજારમાં 4,700થી વધુ નોંધાયેલી કંપનીઓ છે. આ રિપોર્ટ 1203 કંપનીઓનાં પરિણામોના આધારે તૈયાર કરાયો છે. બાકીની કંપનીઓનાં પરિણામ હજુ બાકી છે. આ ત્રિમાસિકમાં કંપનીઓનો કુલ નફો રૂ. 3.11 લાખ કરોડ રહ્યો છે. સપ્ટેમ્બર 2022માં આ આંકડો રૂ. 2.18 લાખ કરોડ હતો. કાચા માલના ભાવ ઘટવાથી માર્જિન સુધરવાના કારણે પણ નફો વધ્યો છે. સપ્ટેમ્બર 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 0.7% હતો. આ પાછલા વર્ષની તુલનામાં ઘણો ઓછો છે. બેશક મોંઘવારી દર ઘટવાથી કે પછી નકારાત્મક થવાથી કોમોડિટી કંપનીઓના નફા પર અસર પડે છે પરંતુ બીજી કંપનીઓને ફાયદો થાય છે. સપ્ટેમ્બર 2023માં કંપનીઓનું માર્જિન 10.7% રહ્યું છે.