આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર સહિત 7 રાજ્યમાં વરસાદ પડી શકે છે. છેલ્લા 5 દિવસમાં પ્રથમ વખત કાશ્મીરમાં ગુરુવારે પારો 0.9 ડીગ્રીથી ઉપર રહ્યો હતો. પહેલગામ અને અનંતનાગમાં માઈનસ 3.3 ડીગ્રી સાથે સૌથી ઠંડું નોંધાયું હતું. IMDએ આગામી સપ્તાહથી ઉત્તર ભારતમાં ઠંડી વધવાની આગાહી કરી છે.
જ્યારે ગુલમર્ગમાં માઈનસ 2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કોકરનાગ, કુલગામ, કુપવાડા જેવા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી 1.7 ડીગ્રી વચ્ચે રહ્યું હતું.
સ્કાયમેટ અનુસાર, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી-NCRનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં રહેશે.