શહેરમાં ઠંડા પવન સાથે દિવસભર ધીમીધારે એક ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ શહેરમાં સોમવારે બપોર બાદ મેઘરાજાએ ધીમીધારે એન્ટ્રી કરી હતી. સવારથી જ વાતાવરણમાં વરસાદી માહોલ છવાયો હતો અને છૂટાછવાયા ઝાપટાં પડ્યા બાદ બપોરના સમયે ધોધમાર મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. જેના લીધે વાહનચાલકો સહિત સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 26, સેન્ટ્રલ ઝોનમાં 18 તો ઇસ્ટ ઝોનમાં 6 મીલીમીટર વરસાદ વરસ્યો છે. આ સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેમાં શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ખાડામાં પાણી ભરાઇ જતા વાહનચાલકોએ મુશ્કેલી ભોગવી હતી.

સોમવારે સવારથી જ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સમયાંતરે હળવા ઝાપટાં પડતાં વાતાવરણમાં સવારથી જ ઠંડકનો અહેસાસ થયો હતો. બપોરના 3:30 વાગ્યા આસપાસ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરીજનોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *