ઉપલેટા તાલુકાના મોજીરા ગઢાળા વચ્ચે આવેલી મોજ નદીમાં આવેલો ચેકડેમ બે વર્ષથી તૂટી ગયો હતો અને તેને હજુ સુધી રિપેર કરવામાં આવ્યો ન હોવાથી ખેડૂતોને સિંચાઇ માટે આ પાણીનો લાભ મળતો નથી. આ ડેમના પાણીનો લાભ મોજીરા, ગઢાળા, ખાખીજાડીયા જેવા ગામોના ખેડૂતોને મળતો હતો. પરંતુ બે વર્ષથી આ ચેકડેમ તૂટી ગયો હોવા છતાં તેને રીપેર કરાવવાની તસદી ન લેવાતાં પાણી વહી જતું હોવાથી સંચય થઇ શકતો ન હોવાથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો નથી. અને સુવિધાનો કોઇ ખાસ ફાયદો થતો નથી.
આ ડેમ છેલ્લા બે વર્ષથી તૂટી ગયો હોય ગ્રામજનોએ અનેક વખત સત્તાવાળાઓને રજૂઆત કરી હોય છતાં પણ આજ સુધી રિપેર કરવામાં આવેલ નથી. આ બાબતે ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે જણાવ્યું હતું કે સરકાર પાણી રોકવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે આવા અનેક જગ્યા પર આવા ચેક ડેમ તૂટેલી હાલતમાં હોય તેમને રિપેર કરવા આવતા નથી. આ ડેમ જો રીપેર કરવામાં આવે, ચાર પાંચ ગામના ખેડૂતોને પાણીનો ખૂબ જ લાભ મળતો ત્યારે તૂટી ગયો હોય જેને કારણે નદીમાં પાણી રોકાતું નથી.
આ ડેમમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી રહેતું ત્યારે બે વર્ષથી તૂટી ગયો હોય તેને કારણે નદી ખાલીખમ જોવા મળે છે. જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના અધિકારીઓને આ ડેમ બાબતે અનેક વખત રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં પણ કોઇ અધિકારી સરવે કરવા ડોકાયા પણ નથી ત્યારે આ ચેકડેમ વહેલી તકે રીપેર કરવામાં નહીં આવે તો બે ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી અપાઇ છે.