નટેશ્વર મંદિરે 7 દેવી-દેવતાની પ્રાણપ્રતિષ્ઠાવિધિ

રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શિખરબંધ મંદિરનું નિર્માણ કરાયું છે. નટેશ્વરધામ મંદિરમાં મહાદેવજીની ભવ્ય અને દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા સાથે નટેશ્વરધામ મંદિરમાં મહાદેવજીની સાથે અન્ય 7 દેવી-દેવતાઓના મંદિરોની શુભ મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી.

મહોત્સવ અંતર્ગત આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે. જોશી તથા ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને આહ્વાન કરીને મૂર્તિઓને શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠિત કરાઇ હતી. મહોત્સવમાં મંદિરના ટ્રસ્ટી મનોજભાઈ મારૂ અને સુરુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સહુના સંકલ્પથી અને અનેક ભાવિક દાતાઓનો સહયોગથી પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન વિધિ પૂર્ણ થઈ છે.

મહોત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ રાત્રે કલાકાર અશોકભાઈ ભાયાણીના મુખેથી રામ નામ જાપ, સ્તુતિ ભજનો, દુહા-છંદ, લોકગીત ગાયકે ડાયરામાં રંગત જમાવી હતી. મંદિરમાં 24 કલાક પાઠ, પૂજા, અર્ચન, રુદ્રી ઉપરાંત મહાદેવના ભક્તો માટે ત્યાંથી જ ફૂલ, બિલિપત્ર, પાણીની લોટી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. તે ઉપરાંત મંદિરમાં કાયમી ડેકોરેશન અને મહાદેવજી આશીર્વાદ આપતા થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવશે. મહોત્સવને સફળ બનાવવા નટેશ્વરધામ મહોત્સવ સમિતિના કમિટી મેમ્બર્સ વીરભદ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અગ્રાવત, ચેતનભાઇ સોલંકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *