ઈન્દોરમાં Zomato ડિલિવરી ગર્લનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈન્દોરના વિજયનગર વિસ્તારનો છે. Zomato ડિલિવરી ગર્લ અહીં સુપર બાઇક પર જઈ રહી છે. ડિલિવરી ગર્લ એકદમ સ્ટાઇલિશ છે. ઈન્દોરમાં સ્પોર્ટ બાઇક પર સવાર આ ગર્લ જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Zomatoએ આ ડિલિવરી ગર્લને કેમ્પેન માટે સામેલ કરી છે.
Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપે પ્રમોશનલ સ્ટંટ તરીકે ઇન્દોરની આસપાસ બાઇક ચલાવવા માટે એક યુવતીને હાયર કરી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી હેલ્મેટ વિના સ્પોર્ટ્સ બાઇક ચલાવતી જોવા મળી રહી છે. યુવતીએ લાલ ઝોમેટો ટી-શર્ટ પહેરી છે અને ઝોમેટો ફુડ ડિલિવરી બેગ પણ લગાવેલી છે.
આ વીડિયોને પ્લેટફોર્મ X પર રાજીવ મહેતા નામના યુઝરે શેર કર્યો હતો. તેની કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે Zomatoના ઈન્દોર માર્કેટિંગ હેડને ખાલી Zomato બેગ સાથે શહેરની આસપાસ ફરવા માટે એક મોડેલને હાયર કરવાનો વિચાર આવ્યો હતો.