મુંજકામાં સિમેન્ટ મિક્સિંગના પ્લાન્ટને આજે સીલ કરી દેવાશે

રાજકોટ નજીક મુંજકાના રહેણાકમાં ગેરકાયદે ચાલતા સિમેન્ટ મિક્સિંગ પ્લાન્ટને કારણે સંખ્યાબંધ લોકોને શ્વાસની બીમારી થઇ ગયાની ફરિયાદો ઉઠ્યા બાદ પણ તંત્રે શરૂઆતમાં આંખ મીંચામણા કર્યા બાદ હવે તા.19મીએ પ્લાન્ટ સીલ કરી દેવાની જાહેરાત કરી છે. કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ પેરેડાઇઝ હોલની સામે છેલ્લા ઘણા સમયથી રહેણાક હેતુના પ્લોટમાં ગેરકાયદે ચાલતા જય શ્રીકૃષ્ણ સિમેન્ટ મિક્સિંગ પ્લાન્ટના વિરુદ્ધમાં સ્થાનિક રહીશોએ વિરોધનો સૂર ઉઠાવ્યા બાદ જીપીસીબીએ ગત માર્ચ માસમાં તેને બંધ કરી દેવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ પણ આ પ્લાન્ટ ચાલુ રહેતા મુંજકાની અલગ-અલગ સોસાયટીના રહીશોએ પ્લાન્ટ સીલ કરવા રજૂઆત કરી હતી.

જેના પગલે પ્રાંત અધિકારીએ તાલુકા મામલતદારને પ્લાન્ટની તપાસ કરી સીલ કરવા આદેશ કર્યો હતો. જેમાં સ્થળ તપાસ અને નોટિસની કાર્યવાહી કર્યા બાદ હવે તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ તા.19મીએ ગેરકાયદે ચાલતા સિમેન્ટ મિક્સિંગ પ્લાન્ટને સીલ કરી દેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રહેણાક વિસ્તારમાં ઘણા સમયથી ચાલતા પ્લાન્ટને ચાલુ રાખવા તેના માલિકોએ જમીન હેતુફેરની પણ અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *