રાજકોટમાં મહિલાઓ અને બાળકોની સારવાર માટે ગુજરાતની સૌથી ઊંચી 11 માળની જનાના હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે બનેલી આ આધુનિક હોસ્પિટલનું વડાપ્રધાન મોદી દ્વારા ગત ફેબ્રુઆરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની પોલ ખુલી છે. જેમાં ગઈકાલે (27 સપ્ટેમ્બર) જનાના હોસ્પિટલમાં પહેલા માળે સિલિંગ તૂટતા દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. આ ઘટના બારી ખુલ્લી હોવાથી પવનના કારણે સર્જાય હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સિલિંગ અચાનક તૂટતા સ્ટાફ-દર્દીઓમાં નાચભાગ પ્રાપ્ત વિગત અનુસાર, વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવેલી નવી જનાના હોસ્પિટલને હજુ એક વર્ષ થયુ નથી, ત્યાજ એક બાદ એક બાંધકામના કામો ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. આવી જ એક વધારે ઘટના સામે આવી હતી. રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલમા પહેલા માળે સિલિંગ તૂટી પડતા સ્ટાફ અને દર્દીમાં નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ ઘટનાને પગલે ઇલેકટ્રીક વાયરો પણ બહાર આવી ગયા હતા. સિલિંગ તૂટીને દરવાજા ઉપર પડતા તેના કાચનો પણ કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઉપરથી સિલિંગ જ ધરાશાયી થતા તેના જીવતા વાયરો પણ બહાર આવી ગયા હતા. જેને લઈ તંત્ર દ્વારા તાબડતોડ ઇલેકટ્રીશયનને બોલાવી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું.