રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી ગઇકાલે મોડી સાંજે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા કેદીએ લાલપરી તળાવમા ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભરણપોષણ કેસના ગુનામાં જેલમાં સજા ભોગવી રહેલો કેદી અબ્દુલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં હતો. દરમિયાન ગઈકાલે નાસી છૂટતા કેદી પર જાપ્તામાં રહેલા બંને પોલીસમેનની લાપરવાહી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. પોલીસે ફરાર કેદીની શોધખોળ સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીનો પણ ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન આજે પોલીસને કેદીની લાશ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી રોડ પરના ચામડિયાવાસમાં રહેતા અબ્દુલ બાબુ કારેઠાને ભરણપોષણ કેસમાં કોર્ટે જેલહવાલે કર્યો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા અબ્દુલ કારેઠાને યુરિનની તકલીફ થતાં ગત તા.25.06.2024ના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે જોઈ તપાસી કેદી અબ્દુલને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો. માટે કેદી પર ઇમરજન્સી વોર્ડમાં એક જમાદાર અને એક કોન્સ્ટેબલનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન ગઈકાલે મોડી સાંજે અબ્દુલ પોતાના બેડ પરથી ઉભો થયો હતો અને ચાલીને વોર્ડની બહાર નીકળી ગયો હતો. લાંબો સમય વિતવા છતાં કેદી અબ્દુલ પોતાના બેડ પર પરત નહીં આવતાં જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓને પરસેવો છૂટી ગયો હતો અને હોસ્પિટલ કેમ્પસમાં દોડધામ શરૂ કરી હતી. જો કે, અબ્દુલનો પત્તો નહીં લાગતાં અંતે કેદી ભાગી ગયાની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી..