આટકોટનું બસસ્ટેન્ડ તો આધુનિક બની ગયું, CCTV કેમેરાની જ ઘટ!

આટકોટના એસટી બસ સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવવામાં આવ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ એ રહી ગઇ છે કે અહીં સીસીટીવી કેમેરા જ નથી. આથી પાકીટ તફડાવવાના , થેલા કે બેગ ચોરીના અને બહેનદીકરીઓની છેડતીના બનાવો બને ત્યારે ચોર કે આવારાતત્વોને પકડવાના અઘરા બની જાય છે. આથી અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.

આટકોટ એસટી બસ સ્ટેશનમાં 400 એસટી બસની અવર જવર થતી હોય છે. હજારો મુસાફરો અહીંથી આવ જા કરે છે, ત્યારે કોઈ અઘટિત બનાવ બનશે તો તેનો જવાદાર કોણ રહેશે? લુખ્ખા તત્વોની અવર જવર અહીં કાયમી રહે છે અને સાથે દારૂડીયા પણ અહીં પડ્યા પાથર્યા રહેતા હોઇ મુસાફરોને સલામતીની સહુથી મોટી ચિંતા રહેતી હોય છે. આથી જો સીસીટીવી કેમેરા હોય તો આવા ચોર, લુખ્ખા તત્વો, દારૂડિયાઓની અવર જવર બંધ થાય અને કોઈ ક્યારેય કોઈ મોટો બનાવ બનશે તો તેના ગુનેગારોને ઝડપી લેવા આસાન બની રહે. આ બાબતે જસદણ ડેપો મેનેજર તાકીદે વિચારે અને વહેલી તકે આટકોટ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવડાવે તેવી માંગણી ઉઠવા પામી છે. એસટીનું નવું બસ સ્ટેશન કરોડોનાં ખર્ચે બન્યું છે પણ સીસીટીવી કેમેરા વિના અધુરું છે. અનિચ્છનીય બનાવો રોકવા બસસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા હોવા જરૂરી હોવાની માગણી લોકોએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *