કોટડાસાંગાણી તાલુકાના નવા રાજપીપળા સીમ વિસ્તારમાં 6 મેેના રોજ દેખાયેલો દીપડો અંતે આટલા દિવસના આંટાફેરાની સ્વતંત્રતા માણ્યા બાદ ગુરુવારે મોડી રાતે પાંજરે પુરાયો હતો. કોટડાસાંગાણી સામાજિક વનીકરણ અને ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દીપડાને કેદ કરવામાં સફળતા મળતાં ગ્રામજનોએ અને ફોરેસ્ટ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
પંથકમાં દીપડાના આંટાફેરા હોવાની 6 મેના રોજ લોકોએ સરપંચને જાણ કરી હતી અને તેના પગલે વન વિભાગને રજૂઆત મળતાં જ આરએફઓ અંટાળાની સુચનાથી વન રક્ષક ફોરેસ્ટર ઇન્ચાર્જ ચિરાગ પટેલ દોડી ગયા હતા અને ફૂટમાર્ક સહિતની ચકાસણી શરૂ કરી હતી. સતત 23 દિવસ સુધી ટ્રેકર ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ શાતિર દીપડો ઇશ્વરિયા, વાદીપરા, દડવા, કરમાળ ડેમ અને નવા રાજપીપળા સીમ વિસ્તારમાં આંટાફેરા કરી ટીમને હંફાવી રહ્યો હતો.એવામાં ફરી રાજપીપળાની સીમમાં દીપડો આવ્યાની જાણ થતાં ટીમે પાંજરૂ ગોઠવ્યું હતું અને મધરાતે 12 કલાકે દીપડો પુરાયો હતો. દીપડાએ કરમાળ ડેમ નજીક માધવભાઈ ચૌહાણની વાડીમાં એક વાછરડી અને નવા રાજપીપળા ગામે ભૂપતભાઈ સાકરીયાની વાડીએ વાછરડીનું મારણ કર્યું હતું. જો કે હવે દીપડો પાંજરે પુરાતાં વન વિભાગે અને લોકોએ રાહત અનુભવી હતી.