રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓ ગમે ત્યાં છુપાયા હોય તેમને પકડી લેવા સતત પ્રયત્નશીલ છે ત્યારે શહેર A ડિવિઝન પોલીસ વિસ્તારમાં વર્ષ 2017માં સદર બજાર નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ચોરીના ઇરાદે ઘૂસેલા 4 તસ્કરોએ સિક્યોરિટીનું ગળું કાપી હત્યા નિપજાવી હતી. આ હત્યાનાં ગુન્હામાં આજીવન કેદની સજા પામેલા આરોપીએ રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી નિયત સમયે જેલમાં હાજર થવાના બદલે 10 મહિનાથી ફરાર થઇ ગયો હતો. આરોપી શાતિર હોવાથી પેરોલ ફર્લો સ્કવોડે વેશપલટો કરી અમદાવાદના બાવળાના રામનગરમાંથી દીપ ખીરાણી નામના પાકા કામના આજીવન કેદીને ઝડપી પાડયો હતો.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા અને પેરોલ મેળવી જેલમાં હાજર થવાને બદલે ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા એક મહિના માટે ડ્રાઇવ રાખવા જણાવ્યું હતું. એવામાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ), મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) દ્વારા રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.