રાજકોટ શહેરમાં 10 દિવસ પહેલાં સગીરાનું અપહરણ કરી ઢાંક ગામે લઈ જઈ સીમ વિસ્તારમાં વારંવાર દુષ્કર્મ આચરનાર અમન ગુપ્તા નામના શખસને બી. ડિવિઝન પોલીસે દબોચી સગીરાને મુક્ત કરાવી હતી. જ્યારે આરોપી વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના સંત કબીર રોડ પર રહેતાં યુવકે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 17 વર્ષની એક દીકરી અને એક દીકરો છે. તા. 08.06.2024ના રોજ તેઓ પરીવાર સાથે રાત્રીના સમયે ઘરના ધાબા ઉપર સૂતા હતા. ત્યારબાદ રાત્રીના સમયે તેમની પત્ની જાગી જતા ત્યાં સૂતેલી તેમની સગીર પુત્રી દેખાઈ નહી. જેથી, તેમને જગાડીને મને જાણ કરી કે, આપણી દીકરી ક્યાય દેખાતી નથી. જેથી, ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા દીકરી મળી આવી નહીં.
પુત્રી ત્રણેક મહિના પહેલા તેમની પત્નીના મોબાઈલ ફોનમાંથી અમન બનારસી ગુપ્તા નામના શખ્સ સાથે ફોનમાં વાત કરતા પકડાયેલ હતી. ત્યારે તેઓએ પુત્રીને ઠપકો આપી અને બીજી વાર આવી રીતે ફોન ન કરે એવી સલાહ આપી હતી. અગાઉ પણ તે આરોપી સાથે જતી રહી હતી. બાદમાં જાતે ઘરે પરત આવી ગઈ હતી. જેથી, અમન નામનો શખસ તેમની પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. આ બનાવ અંગે અપહરણની ફરીયાદ નોંધાઈ હતી.