નવાગામમાં રહેતા નંદિનીબેન સાગરભાઇ સોલંકી (ઉ.29)ને ચોટીલા તેના કાકાના પુત્રના લગ્નમાં જવાનું હોય તેની પુત્રી દેવાંશી (આઠ માસ) અને તેના દિયર આનંદભાઇ વિક્રમભાઇ સોલંકી (ઉ.21) અને કૌટુંબિક ફઇ શારદાબેન જીણાભાઇ વાંજા (ઉ.60) અને જામનગર રહેતા નંદિનીબેનના મામાજી યુવરાજભાઇ રાજુભાઇ નકુમ (ઉ.28) અને તેના પત્ની શીતલબેન (ઉ.26) અને યુવરાજભાઇના બહેન ભૂમિ રાજુભાઇ (ઉ.22) સાથે તેમની રિક્ષામાં બેસીને નવાગામથી નીકળ્યા હતા. દરમિયાન માલિયાસણ પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી ટ્રકે રિક્ષાને ઠોકરે લીધી હતી.
ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં નંદિનીબેન, તેની પુત્રી દેવાંશી, ફઇ શારદાબેન તેમજ જામનગરમાં રહેતા યુવરાજભાઇ, તેની પત્ની શીતલબેન અને બહેન ભૂમિનાં મોત નીપજ્યા હતા. જ્યારે દિયર આનંદભાઇને ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના પીઆઇ રજિયા સહિતના સ્ટાફે આનંદભાઇની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે સાપરાધ મનુષ્યવધ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે અકસ્માત બાદ નાસી જનાર ટ્રકચાલક યુપીના ફાજલપુર ગામે રહેતો અનિલ લોકમાન (ઉ.25)ને કુવાડવા રોડ પર પટેલ વિહાર હોટેલ પાસેથી ઝડપી લીધો હતો.