શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત સરકાર અને પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી છે. એક નવો વીડિયો જાહેર કરીને પન્નુએ ભારત સરકારને હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાંથી પાઠ ભણવાની સૂચના આપી છે, સાથે જ પન્નુએ પંજાબને ભારતનો ભાગ કહેવાને બદલે તેને આઝાદ કરવાની માગ કરી છે.
પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું- ભારતે આ હુમલાથી શીખવું જોઈએ. જો ભારતમાં રહેતા શીખોને આઝાદ નહીં કરવામાં આવે તો તેને પણ ઈઝરાયલ જેવા અણધાર્યા હુમલાનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાંથી બોધપાઠ લેવો જોઈએ. જો પંજાબમાં રહેતા લોકો પેલેસ્ટાઈન જેવું હિંસાનું વલણ અપનાવશે તો પરિસ્થિતિ વિનાશક બની જશે.
ભારત સરકારે પંજાબને આઝાદ કરવું જોઈએ. જો ભારત સરકાર પંજાબને આઝાદી નહીં આપે તો તેને પણ ઈઝરાયેલ જેવાં ભયાનક દૃશ્યનનો સામનો કરવો પડશે.
આ વર્ષે કેનેડાના સરીમાં માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદથી આતંકી પન્નુ પરેશાન છે. પન્નુએ અગાઉ વર્લ્ડ કપમાં હિંસક ઘટનાઓને અંજામ આપવાની અને મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ધર્મશાળામાં તેના તરફથી ખાલિસ્તાનીના નારા પણ લખવામાં આવ્યા હતા. આ પહેલાં આતંકી પન્નુએ G20 કોન્ફરન્સમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પંજાબમાંથી બે શીખ યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જેઓ દિલ્હીના મેટ્રો સ્ટેશનની બહાર ખાલિસ્તાની સૂત્રો લખી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે પન્નુ પંજાબના લોકોને પૈસાની લાલચ આપીને ખોટાં કામો કરાવવા માટે ફસાવતો હતો.