પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર શનિવારે, એટલે કે આજે સવારે આતંકી હુમલો થયો હતો. હથિયારોથી સજ્જ છ આત્મઘાતી બોમ્બર એરફોર્સ ટ્રેનિંગ બેઝમાં ઘૂસ્યા હતા. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની એરફોર્સ (PAF)એ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે બાકીના 3ને ઘેરી લેવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન 3 એરક્રાફ્ટ અને 1 ઇંધણ ટેન્કર નાશ પામ્યાં હતાં.
આ દરમિયાન એરબેઝની નજીક ગોળીઓ અને વિસ્ફોટના જોરદાર અવાજો સંભળાયા હતા. અહેવાલો અનુસાર, તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)એ હુમલાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓ સીડીઓ દ્વારા દીવાલ પર ચઢીને એરબેઝમાં પ્રવેશ્યા હતા.
PAFએ કહ્યું- અમારા જવાનોએ સમયસર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો. એરબેઝની અંદર અને એની આસપાસ અંતિમ કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાન સશસ્ત્ર દળો કોઈપણ કિંમતે દેશમાંથી આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.