રાજકોટમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સામાન્ય બાબતોમાં ઝઘડો કરી ધોકા પાઇપ વડે મારામારીના બનાવો સતત બનતા રહે છે. આવી જ વધુ એક ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. થોડા દિવસ પહેલા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તરમાં CNG પંપ પર ગાડી આડી ઉભી રાખવા બાબતે માથાકૂટ કર્યા અંગે ફરિયાદ નોંધાવ્યાનો ખાર રાખી ટેક્સી ડ્રાઇવર અને તેના મિત્રો ઉપર પિતા-પુત્ર સહિત 5થી 6 લોકોએ હાઈવે ઉપર ધોકા પાઇપ વડે માર મારી ગાડીમાં તોડફોડ કરી હતી.
પોલીસે CCTV ફૂટેજના આધારે શખસોની શોધખોળ હાથ ધરી મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ ફિલ્મની શૂટિંગના મારામારીના કાલ્પનિક દ્રશ્યો હોય તેવા સાચા દ્રશ્યો જોવા મળે છે. હાલ એરપોર્ટ પોલીસે CCTV ફૂટેજના આધારે પિતા-પુત્ર સહિતના શખસોની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદી કિશન લાલદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેકસી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવું છું. 5 દિવસ પહેલા હું મારી સ્વીફટ ડીઝાયર કાર લઇને કુવાડવા ગામ પાસે CNG પંપ ખાતે ગેસ પુરાવવા માટે ગયો ત્યારે મયુર બોસરીયા ત્યા આવ્યો હતો અને મારી કાર આડી તેની કાર ઉભી રાખતા અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ હું ત્યાથી નીકળી ગયો હતો અને કુવાડવા જીજે.03 હોટલ પાસે પહોંચ્યો ત્યારે આ મયુર તથા તેના પિતા રેવાભાઈ બોસરીયા ત્યા આવી અને મારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા જે અંગે મેં કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.