રાજકોટવાસીઓની આસ્થાના પ્રતીક સમા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના પૂરને કારણે ગંદવાડ ઘેરી વળે છે અને આ સ્થિતિ નિવારવા માટે 2014માં મહાનગરપાલિકાએ રામનાથ મંદિર કોરિડોર અને આજી રિવરફ્રન્ટ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી ત્યારબાદ હજુ સુધી આ બન્ને પ્રોજેક્ટો મહદ્અંશે કાગળ પર ચાલી રહ્યા છે ત્યારે નવા નાણાકીય વર્ષમાં 2025-26ના બજેટમાં આજી રિવરફ્રન્ટની યોજના ભૂલાઇ છે.
જ્યારે 2024-25માં રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં લીધેલી તમામ યોજનાઓના ટેન્ડરની પ્રક્રિયા માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરવામાં આવી હોય આગામી માર્ચ સુધીમાં રામનાથ કોરિડોરની કામગીરી આગળ ધપાવવા રૂ.187 કરોડનું 1 ટેન્ડર બહાર પાડવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે બીજીબાજુ આગામી ફેબ્રુઆરી-2026માં મનપાની ચૂંટણી આવી રહી હોય ત્યારે જ શાસકોને રામનાથદાદા યાદ આવ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજકોટમાં 2014થી એટલે કે છેલ્લા 11 વર્ષથી રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટના નામે પ્રજાને ગેરમાર્ગે દોરાઇ રહી છે. પ્રોજેક્ટની જાહેરાત થઇ ત્યારે 11 કિ.મી.નો આજી રિવરફ્રન્ટ બાદમાં આસ્થાના પ્રતીક એવા રામનાથ મહાદેવ મંદિર વિકાસ યોજના પછી 1.1 કિ.મી.નો જ રહ્યો હતો. ત્યારબાદ પણ હજુ સુધી આ યોજના આગળ વધી શકી નથી. મૂળ રૂ.2200 કરોડના આ પ્રોજેક્ટને ટૂંકાવવામાં આવતા સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 1.1 કિ.મી.ના રામનાથ કોરિડોર માટે રૂ.187 કરોડ મંજૂર કરાયા છે.