રાજકોટમાં સાંજે 5.30 વાગ્યે પણ 41 ડિગ્રી તાપમાન, આજે ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમી લોકોને અકળાવી રહી છે. 13 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. રાજકોટમાં મંગળવારે 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાક જિલ્લામાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાયા હતા. અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઇટ રહેશે, એટલે કે આખી રાત તપશે. જેને કારણે ભારે અકળામણ લોકોને શાંતિથી સૂવા દેશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. જેના કારણે રાજકોટ સહિત અન્ય જિલ્લામાં પણ બુધવારે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

રાજકોટ જિલ્લામાં તા.12થી 16 માર્ચ દરમિયાન ગરમ અને ચોખ્ખું હવામાન રહેશે. આ દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની સંભાવના છે, આ ગ્રીષ્મ લહેરમાં નાગરિકો તેમજ કૃષિ પાકોને વિપરીત અસર થાય છે. તેથી આ દિવસો દરમિયાન તકેદારીરૂપે લોકોએ બપોરે બહાર ન નીકળવું અને પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યૂસ પીવા, હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *