રાજકોટ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્રણ દિવસમાં પારો 40થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત રાતના સમયે પણ ગરમીનો અનુભવ થાય છે. જોકે હવે ગરમીના છેલ્લા દિવસો છે કારણ કે, ચોમાસા પહેલાની સ્થિતિમાં પશ્ચિમી પવનો અને છૂટા છવાયા ઝાપટાંને કારણે તાપમાન 40થી નીચે જઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાને હજુ 12 દિવસની વાર છે. 20 જૂન પછી રાજકોટમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થશે જોકે ત્યાં સુધીમાં પ્રિ-મોન્સૂન સિસ્ટમને કારણે છૂટા છવાયો વરસાદ પડી શકે છે. હાલ ગરમીનો પારો ઊંચો ચડ્યો છે પણ હવે બપોર બાદ ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ જોવા મળશે અને વાદળો પણ છવાયેલા રહેશે. 11મી સુધી આ સ્થિતિ રહ્યા બાદ ધીમે ધીમે વાદળો વધુ ઘટ્ટ બનવાના શરૂ થશે અને 12મીથી આબોહવામાં ભેજનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહેશે આ કારણે ઉકળાટ અનુભવાય તેવું બની શકે છે. 12 તારીખની આસપાસ દિવસ દરમિયાન તડકો અને ગરમી રહ્યા બાદ સાંજના સમયે વરસાદ પડવાનો શરૂ થશે. આ વરસાદ મોટા ભાગે લોકલ ફોર્મેશનને કારણે થતું હોવાથી ક્યાંક ઝાપટાં તો ક્યાંક એકાદ ઈંચ જેટલો પડી શકે છે. આ કારણે આવતા સપ્તાહથી મહત્તમ તાપમાન ગગડીને 40 ડિગ્રી કરતા નીચે જશે.