રાજકોટમાં દિનપ્રતિદિન તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. લઘુતમ અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે. બુધવારે રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આ વર્ષનું સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેરકર્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે એવી સંભાવના છે. બીજી તરફ રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત્ નોંધાયું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતે આગામી સમયમાં બપોરના સમયે બહાર ન નીકળવાની, પૂરતા પ્રમાણમાં પાણી પીવાની તથા હળવા કપડાં પહેરવાની સલાહ આપી છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં 39.6 ડિગ્રી તપામાન નોંધાયું છે જે રાજ્યમાં સૌથી વધુ છે જ્યારે રાજકોટ 38.7 ડિગ્રી સાથે રાજ્યમાં બીજા નંબરે રહ્યું છે. આ ઉપરાંત અમરેલીમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 36.8 ડિગ્રી, દ્વારકામાં 34 ડિગ્રી, જામનગરમાં 34.6 ડિગ્રી, પોરબંદરમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.