દેશની સૌથી ઝડપી ટ્રેનો પૈકીની એક એવી તેજસ એક્સપ્રેસ ટ્રેન રાજકોટથી મુંબઈ પહેલીવાર દોડાવવાની રેલવેએ જાહેરાત કરી છે. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09005 અને 09006નું બુકિંગ 19 એપ્રિલથી તમામ પીઆરએસ પર ખુલ્લું રહેશે. રેલવે કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર પણ બુકિંગ શરૂ થશે.
ટ્રેન નં. 09006 રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે 6.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલથી 29 મે-2025 સુધી દોડશે. તેવી જ રીતે ટ્રેન નં. 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે- 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરિવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે.