તમિલ એક્ટર શ્રીકાંતની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે ચેન્નાઈમાં નુંગમ્બક્કમ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ધ હિન્દુના અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે શ્રીકાંતે ડ્રગ નેટવર્ક પાસેથી કોકેન ખરીદ્યું હતું. આ નેટવર્કમાં ઘાનાના એક નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય એક એક્ટર કૃષ્ણાનું નામ પણ સામે આવ્યું છે, જે હાલમાં કેરળમાં હોવાની શંકા છે.
ચેન્નાઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીકાંત તાજેતરમાં પકડાયેલા ત્રણ ડ્રગ ગુનેગારો સાથે સતત સંપર્કમાં હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીકાંત કોકેઈન ખરીદતો હતો અને તેનું સેવન પણ કરતો હતો. આ કેસની તપાસ ચાલુ છે.
નુંગમ્બક્કમ લેક એરિયામાં શ્રીકાંતના ઘરની તપાસ દરમિયાન, પોલીસને થોડી માત્રામાં કોકેઈન મળી આવ્યું. સોમવારે સવારે પૂછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી હતી અને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.