150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ પાસે જસરાજનગરમાં યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે તપાસ કરતાં એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે હું મારી મરજીથી આ પગલું ભર્યાનું અને મારી દીકરીનું ધ્યાન રાખવા અંગેનો ઉલ્લેખ કર્યો હોય પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ પાસેના જશરાજનગરમાં રહેતા ચેતનભાઇ હર્ષદભાઇ મોરીધરા (ઉ.37) એ વહેલી સવારે પોતાના ઘેર છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
સવારે તેના પત્ની જલ્પાબેને જાગીને રૂમમાં જઇને જોતા પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતાં પરિવાર તેમજ પાડોશના લોકોએ આવી જાણ કરતાં 108ની ટીમના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતા. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવકને સંતાનમાં બે દીકરી હોવાનું અને સેન્ટ્રીંગ કામના કોન્ટ્રાક્ટ રાખી ધંધો કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જેમાં ચેતનભાઇએ હું મારી જાતે પગલું ભરું છું, કોઇનો વાંક નથી, પપ્પા હું તમને સાચવી ન શક્યો મને માફ કરી દેજો અને મારી દીકરીનું ધ્યાન રાખજો તેવો ઉલ્લેખ કર્યો હોય પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.