કોર્પોરેટર સુરેજાને સસ્પેન્ડ કરો : કોંગ્રેસ, તેમણે માફી માગી લીધી: ભાજપ પ્રમુખ

ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા જંગમાં યુદ્ધવિરામની જાહેરાત થતાં સોશિયલ મીડિયામાં અનેક મેસેજ શરૂ થયા હતા, જેમાં રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ ભાજપના ગ્રૂપમાં એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે’. સુરેજાની આ હરકતનો દિવ્ય ભાસ્કરના સોમવારના અંકમાં ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસે કોર્પોરેટર સુરેજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી, તો શહેર ભાજપ પ્રમુખે સુરેજાએ માફી માગી લીધી હોવાનું કહી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોએ દિવસભર સુરેજાને આવી હરકત બદલ ભારે ભાંડ્યા હતા.

રાજકોટ શહેર વોર્ડ નં.14ના કોર્પોરેટર અને પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતન સુરેજાએ રવિવારે રાજકોટ bjp ગ્રૂપમાં પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે’. આ અંગે સોમવારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું હતું કે, સુરેજાનું બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે, આ દેશ અને જવાનોનો પ્રશ્ન છે, આમાં કોઇ રાજકારણ ન હોવું જોઇએ, કોર્પોરેટર ચેતન સુરેજાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઇએ, 1971માં યુદ્ધ થયું ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે આવી કોઇ વાત કરી નહોતી, સુરેજાએ કરેલું કરતૂત ગંભીર છે, જવાનોને સન્માનવાની વાત હોવી જોઇએ તેની જગ્યાએ સુરેજાએ રાજકારણ કરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, સુરેજાને તાકીદે સસ્પેન્ડ કરવા જોઇએ.

જ્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ સુરેજાનો બચાવ કરતા કહ્યું હતું કે, વિવાદ થાય તેવી આ ઘટના નથી, સુરેજાએ પોતાને આવેલી પોસ્ટ ફોરવર્ડ કરી છે, જોકે આ યોગ્ય નથી જ, આ વાત મારા ધ્યાન પર આવતાં જ મેં સુરેજાને ફોન કરીને જે કહેવાનું હતું તે તેમને કહી દેવામાં આવ્યું છે, સુરેજાએ પણ દિલગીરી વ્યક્ત કરી માફી માગી છે અને તે પોસ્ટ પણ તેમણે રિમૂવ કરી છે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રદેશમાં પણ જાણ કરવામાં આવી છે. બીજીબાજુ સોમવારે આ મુદ્દે શહેરીજનોએ સોશિયલ મીડિયામાં કોર્પોરેટર સુરેજાને ભાંડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *