બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં 2 દિવસ થયા, પણ હજુ સુધી આરોપી પકડાયો નથી. અત્યારસુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપીએ રાતે 1.36એ એન્ટ્રી કરી અને 2.33એ એક્ઝિટ કરી હતી. લગભગ 57 મિનિટમાં તેને આ સંપૂર્ણ ઘટનાને અંજામ આપ્યો. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે.
મુંબઈમાં સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં દુર્ગ RPF એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. RPF એ શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના જનરલ કોચમાંથી એક યુવકની અટકાયત કરી છે. RPF પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈ પોલીસે RPF પોલીસને એક ફોટોગ્રાફ મોકલ્યો હતો જેના આધારે RPF પોલીસે શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના જનરલ કોચમાંથી એક યુવકની અટકાયત કરી છે. યુવક મુંબઈથી બિલાસપુર જઈ રહ્યો હતો અને જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો.
ઘટનાના એક દિવસ પછી, હુમલાખોરના પહેલા CCTV ફૂટેજમાં, તે વાદળી શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે ઘટનાની રાત્રે તેણે કાળું ટી-શર્ટ પહેર્યું હતું. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોર કદાચ બાંદ્રાથી લોકલ ટ્રેન લઈને મુંબઈના કોઈ અન્ય વિસ્તારમાં ગયો હશે. શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે પોલીસની ઘણી ટીમો શહેરના રેલ્વે સ્ટેશનોના CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે. આરોપી 5 કલાક સુધી બાંદ્રા સ્ટેશન પાસે રહ્યો અને ત્યારબાદ તેણે દાદરમાં આવેલી એક દુકાનમાંથી ઈયરફોન લીધા હતા. હવે આજે આરોપીની જે નવી તસવીર સામે આવી છે તેમાં તેણે પીળા કલરનો શર્ટ પહેર્યો છે. એટલા માટે પોલીસને લાગી રહ્યું છે કે- શંકાસ્પદ વ્યક્તિ સતત કપડાં અને લોકેશન બદલી રહ્યો છે.