દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષમાં નોંધાયેલા સાયબર ફ્રોડના બનાવ જેટલા બનાવ ચાલુ વર્ષે માત્ર સાત માસમાં નોંધાઈ ચૂક્યા છે. જેની સામે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે આજે ડીસીપી ક્રાઇમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સાયબર ફ્રોડમાં ગત વર્ષે 3.44 કરોડ અને ચાલુ વર્ષે 7 મહિનામાં જ 3.79 કરોડ રૂપિયા નાગરિકોને પોલીસ દ્વારા રિફંડ કરાવી આપવામાં આવ્યા છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોઇ ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા લોકોની બ્લોક કરેલી રકમ પરત (રિફંડ) અપાવવા માટે પોલીસ જનતાને સાયબર ફ્રોડથી ગુમાવેલા નાણા, બ્લોક કરાવેલા નાણા કોર્ટ મારફતે પરત કરવામાં આવે છે. સાયબર ફ્રોડથી બચવા લોકો માટે પોલીસ દ્વારા અવારનવાર અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. સાયબર ગઠિયાઓ પોતાની મોડસઓપરેડી વારંવાર બદલાતા રહેતા હોવાથી લોકોએ તેનાથી અવગત રહેવું જરૂરી છે. હાલમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કરી વધુ રકમ અપાવવાની લાલચ આપી લોકો સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ થતાં હોવાની માહિતી સામે આવી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઇ અજાણી લીંક ખોલવી નહીં. કોઇ અજાણી વ્યકિતને ઓ.ટી.પી. આપવો નહીં કે શેર બજારમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આવી કોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં.