રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે પૂર્વયોજિત કાવતરું કરી, ઠગાઈ કરી, કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, દસ્તાવેજના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી, કપટપૂર્વક ફાડી નાખી પુરાવાનો નાશ કરેલ તેમજ સરકારી કચેરીના કમ્પ્યૂટરમાં રહેલ દસ્તાવેજોના સ્કેનિંગ રેકર્ડને ડિલીટ કરી તેની જગ્યાએ ખોટા દસ્તાવેજોને સ્કેનિંગ કરીને ચડાવવાના ગુનામાં આરોપી એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, તા.11-12-2024ના રોજ ઝોન-1ના સબ રજિસ્ટ્રાર અતુલભાઈ મધુભાઈ દેસાઇએ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની હકીકતમાં જણાવેલ કે, તા.23-2-2023થી 18-5-2024 સુધીમાં આ કામના આરોપીઓ હર્ષ સાહોલિયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ચાવડાએ 17 ખોટા બનાવટી દસ્તાવેજ ઊભા કરી કોઈપણ રીતે કચેરીના કમ્પ્યૂટરમાં રહેલ હસ્ત લેખિત દસ્તાવેજના સ્કેનિંગ રેકર્ડમાં ચડાવી મિલકત એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજી રેકર્ડનો નાશ કરી નવો દસ્તાવેજ બનાવી મૂળ દસ્તાવેજની જગ્યાએ ફેરબદલ કરી હતી.
આ ફરિયાદ મળતાં પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 420, 465, 467, 468, 471, 477, 120(બી), 34 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને જે-તે વખતે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે હાલના એડવોકેટ કિશન ચાવડાએ પહેલા સેશન્સ અદાલતમાં અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે પણ નામંજૂર થતા એડવોકેટ કિશન ચાવડાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીનો રોલ, દસ્તાવેજી પુરાવાઓ વગેરેની હકીકતો ધ્યાનમાં રાખી આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપ્યો છે અને વધુ સુનાવણી તા.14-05-25ના રાખી છે.
આ કામમાં અરજદાર આરોપી એડવોકેટ કિશન ચાવડા વતી સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ પૂર્વીશભાઈ મલ્કાણ તથા રાજકોટના પી.એમ. શાહ લો ફર્મના એડવોકેટ પીયૂષભાઈ એમ. શાહ, હર્ષિલભાઈ શાહ રોકાયેલા હતા.