બિહાર સરકારમાંથી બહાર થયાના બીજા જ દિવસે સોમવારે લાલુ યાદવ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સવારે 11 વાગ્યાથી પટનાની ED ઓફિસમાં લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવની પૂછપરછ ચાલુ છે. લાલુ પુત્રી મીસા ભારતી સાથે પહોંચ્યા હતા. મીસાએ લાલુ માટે ખાવાનું ઈડી ઓફિસમાં જ પહોંચાડ્યું હતું. દવાઓ પણ બે વખત પહોંચાડવામાં આવી હતી.
મીસાએ મીડિયાને કહ્યું હતું કે દેશની સામે બધું જ છે અને દેશની જનતા બધું જોઈ રહી છે. પિતા ઊઠી- બેસી શકતા નથી તોપણ તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તે લોકો તેમની સાથે નથી, તેમને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. લાલુના સમર્થકો ED ઓફિસની બહાર ભેગા થયા છે. પટના ED ઓફિસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બિહારમાં NDA સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ:CM હાઉસમાં પોતાના સાંસદો સાથે નીતીશની મિટિંગ, ખાતાં ફાળવણી થઈ શકે છે
બિહારમાં એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. સીએમ નીતીશને ગૃહની કાર્યવાહી બોલાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. બજેટસત્ર 5 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. કુલ 4 એજન્ડા મંજૂર કરવામાં આવ્યા છે.
બેઠક પૂરી થયા બાદ નીતીશ સીએમ હાઉસ પહોંચ્યા હતા. જેડીયુના સાંસદો સાથે બેઠક કરી છે. આજે કેબિનેટનું વિસ્તરણ અને ખાતાં ફાળવણી થઈ શકે છે.
બિહારમાં NDA સરકારની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થાય એ પહેલાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સીએમ નીતીશની ઓફિસ પહોંચ્યા અને વાત કરી હતી. આ બેઠકમાં સીએમ નીતીશ ઉપરાંત બે ડેપ્યુટી સીએમ અને 6 મંત્રી પણ હાજર રહ્યા હતા.
આ પહેલાં સચિવાલયમાં લગાવવામાં આવેલી આરજેડી અને કોંગ્રેસના મંત્રીઓની નેમપ્લેટ કાઢી નાખવામાં આવી છે. જેડીયુના જૂના મંત્રીઓની નેમપ્લેટ કાગળથી ઢાંકી દેવામાં આવી છે.
એવી માહિતી છે કે આજે જ કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. સીએમ નીતીશ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા સહિત કેબિનેટના મંત્રીઓ હાજર હતા.