રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ ફેબ્રુઆરીમાં થઇ ગયું. નવું ટર્મિનલ શરૂ થતા જ નવી ઇન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ થઇ જશે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આગામી 30 માર્ચથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નવું સમર શિડ્યુલ લાગુ થવાનું છે. હાલની સ્થિતિએ સમર શિડ્યુલમાં પણ નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની સંભાવના ઓછી છે. નવી ડોમેસ્ટિક ફ્લાઈટ મળવાની પણ ઓછી શક્યતા છે. મોટાભાગે અત્યારે જે શિડ્યુલ અમલમાં છે તે જ ફ્રિકવન્સી સમર શિડ્યુલમાં રહે તેવી વધુ સંભાવના છે. કેટલીક ખાનગી એરલાઇન્સ કંપની વિદેશની ફ્લાઈટ શરૂ કરવા માટે સર્વે કરી રહી હોવાની પણ વાત સામે આવી છે. દુબઈ અને બેંગકોકની ફ્લાઈટ શરૂ થઇ શકે છે પરંતુ હજુ તેના માટે સૌરાષ્ટ્રવાસીઓએ થોડો સમય રાહ જોવી પડશે.
નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. ડિપાર્ચર હોલમાં 12 ઈમિગ્રેશન કાઉન્ટર અને અરાઈવલ હોલમાં 16 ઈમિગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા છે. ડિપાર્ચર હોલ અને અરાઈવલ હોલમાં એક કસ્ટમ્સ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. લગભગ છેલ્લા ઓક્ટોબર-2024થી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે તેવી વાતો થઇ રહી છે પરંતુ હજુ સુધી શરૂ થઇ નથી અને હજુ સમર શિડ્યુલમાં પણ શરૂ થવાની સંભાવના ઓછી હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે ઘણી કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેના નિયમો મુજબ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અથવા તેના સમાન આંતરરાષ્ટ્રીય નિયામક દ્વારા લાઇસન્સ મેળવવું જરૂરી છે. એવિએશન નીતિ અને રેગ્યુલેટરી મંજૂરી લેવી પડે છે. જે-તે દેશોમાં મુસાફરોના વિઝા અને ઇમિગ્રેશન પ્રોસેસ સાથે સુસંગત થવું પડે છે. આ તમામ પ્રક્રિયાઓ સફળતાથી પૂર્ણ કર્યા પછી એક એરલાઈન કંપની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે.