ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરને લઈ છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગનો ઊધડો લેવામાં આવ્યો હતો. એને લઈને દિવ્ય ભાસ્કરે માલધારી આગેવાન નાગજી દેસાઈ સાથે ખાસ વાતચીત કરી ત્યારે તેઓ કોર્પોરેશન તંત્ર પર કાળઝાળ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશન તંત્ર ગુજરાત હાઇકોર્ટમાં ખોટી એફિડેવિટો કરી તેને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બે પગવાળા આખલા ગૌચરની જમીન ગળી ગયા તો એને કેમ પકડતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઢોર પકડે છે એ યોગ્ય છે, પરંતુ ખોટી માહિતી હાઇકોર્ટને આપવામાં આવે છે. ઢોર પોલિસીમાં લાઇસન્સ, પરમિટ લેવા માટે જગ્યાનો દસ્તાવેજ હોવો ફરજિયાત કર્યો છે, પરંતુ જેની પાસે પાવર ઓફ એટર્ની અને પોતાની વર્ષો જૂની ભોગવટાની જગ્યા હોવાના પુરાવા આપવા છતાં પણ તેને માન્ય રાખવામાં આવતા નથી એ અયોગ્ય છે. આ બાબતે તેઓ આગામી સમયમાં રજૂઆત કરશે અને દિવાળી બાદ રખડતા ઢોર મામલે ઉગ્ર આંદોલન પણ થાય એવી પૂરી શક્યતા જણાય છે.