MBBSના ફી વધારો પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ સહિત રાજ્યભરમાં GMERS કોલેજોમાં તબિબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજ રોજ ગુજરાત પ્રદેશ NSUI દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી એક સપ્તાહમાં ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે. NSUIનો આક્ષેપ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોક્ટર ન બની શકે તે માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે ગત વર્ષે આ મુજબ પરિપત્ર લરાયો હતો જેનો વિરોધ થતા ચૂંટણીનું વર્ષ હોવાથી ફી વધારો પરત ખેંચી દેવાયો હતો ત્યારે આ વખતે પણ પરિપત્ર રદ કરવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગવર્મેંન્ટ ક્વોટામાં 66 % તો મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 88 %નો વધારો કરવામાં આવતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, GMERS કોલેજમાં થયેલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિધ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે વિધ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી 9.00 લાખ હતી તે વધારીને રૂપિયા 17 લાખ કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે. આ વર્ષે NEETની પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે કટ ઓફ ઘણું ઊચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિધ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે. આજના સમયમાં ડોકટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *