શુક્રવારે રાજસ્થાનના દૌસામાં એક સબ-ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલની 5 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. ખરેખર આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો, પરંતુ ગુસ્સે થયેલા લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું
તેઓ પોલીસ સ્ટેશનનાં બારણાં તોડીને આરોપીને બહાર લઈ આવ્યા, તેને પોલીસ સ્ટેશનથી ચાર રસ્તા સુધી ખેંચીને લઈ આવ્યા અને માર માર્યો. હવે આ ઘટનાનો વીડિયો અને ફૂટેજ વાઇરલ થઈ રહ્યા છે.
આ પહેલાં પીડિતાના પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કેટલાક લોકોએ તેને માર માર્યો અને હાથ તોડી નાખ્યો. મામલો વેગ પકડ્યા બાદ પોલીસે આરોપી SI ભૂપેન્દ્ર સિંહ (54)ની મોડી રાત્રે ધરપકડ કરી હતી. તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. શુક્રવારે મોડીરાત્રે બાળકીને દૌસા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મોડીરાત્રે ડોકટરોના બોર્ડે બાળકીની તબીબી તપાસ કરાવી હતી.
આ ઘટના લાલસોટના રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં રહેતા એક પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે સવારે નાઈટ ડ્યૂટી કરીને ગામ પરત ફર્યા હતા અને બપોરે સૂઈ ગયા હતા. આ દરમિયાન તેમની 5 વર્ષની પુત્રી અને પત્ની ઘરે હતાં. આ દરમિયાન સબ-ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહ (54)એ ઘરની બહાર રમી રહેલી છોકરીને લલચાવીને પોતાની સાથે લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. થોડીવાર પછી બાળકી તેની માતા પાસે પહોંચી અને રડી રહી હતી અને ઘટનાની જાણકારી આપી. આરોપી SIએ માસૂમ બાળકીને 50 રૂપિયા પણ આપ્યા હતા. પુત્રીના કહેવા પર માતાએ કપડાંની તપાસ કરી તો તેને બળાત્કારની જાણ થઈ. તેણે તેના પતિને ઘટનાની જાણ કરી. પીડિતાના પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે એએસઆઈ છોટાલાલ અને કોન્સ્ટેબલ ટીકારામે તેને માર માર્યો હતો, જેમાં પીડિતાના પિતાનો હાથ પણ ભાંગી ગયો હતો.