સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં એસીબીની રેડ થયાને એક સપ્તાહ વીતી ગયો છે. પોલીસ તો કાયદાકીય કાર્યવાહી કરી રહી છે પરંતુ યુનિવર્સિટીના વિભાગમાં આવી શરમજનક ઘટના બની હોવા છતાં અત્યાર સુધી સત્તાધીશોએ કોઈ નક્કર પગલાં લીધા નથી.
બીજી બાજુ જ્યારે જ્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય તો તેની સામે ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 8 સેમેસ્ટર સુધીની સજા ફટકારવામાં આવે છે પરંતુ આડેધડ પેપર ચેક કરતા પ્રોફેસરો કે ગેરરીતિ કરતા પરીક્ષા વિભાગના સ્ટાફ સામે હજુ સુધી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પરિણામે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં વારંવાર ભગા થઇ રહ્યા છે.
ભગા-ગોટાળા કરનારને સજા માટે મળતી EDICની બેઠક લાંબા સમયથી મળતી જ નથી.વિદ્યાર્થી રી-એસેસમેન્ટ માટે અરજી કરે ત્યારબાદ જે-તે વિષયના અથવા તે વિષયના ન હોય તો પણ પ્રોફેસરો આડેધડ પેપર એસેસમેન્ટ કરી નાખે, પરીક્ષા વિભાગના સ્ટાફ માર્ક મુકવામાં, માર્કશીટ બનાવવામાં ભગા કરે તો તેની સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટે કમિટીની બેઠક નિયમિત મળે છે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા અધ્યાપકો, પરીક્ષાના સ્ટાફને યુનિવર્સિટી છાવરી રહી હોય એમ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.