સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશની પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનાં સેનેટ સભ્ય ડો. નિદત બારોટે પીએચ.ડી. પ્રવેશ માટે બહાર પાડવામા આવેલા મેરિટ લિસ્ટમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાયની રજૂઆત કુલપતિને કરવામા આવ્યા બાદ આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રવક્તા રોહિત રાજપૂતની આગેવાનીમાં વિદ્યાથી કાર્યકરોએ કેમ્પસમાં પીએચ.ડી. મેરિટ લિસ્ટ સળગાવ્યું હતું. બાદમા કુલસચિવને લેખિત રજૂઆત કરી મેરીટ લિસ્ટમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને થયેલો અન્યાય દૂર કરી સુધારો કરી ફરી DRC (ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી) તૈયાર કરવા તેમજ વેઈટિંગ લિસ્ટ બહાર પાડવા માગ કરી હતી.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કુલસચિવ ડો. રમેશ પરમારને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામાં ઇચ્છુક વિદ્યાર્થી ઉમેદવારોએ એન્ટ્રન્સ ટેસ્ટ અને મેરિટ ટેસ્ટ આપ્યા બાદ જે-તે વિષયો પ્રમાણે ભરવા પાત્ર જગ્યાઓ અને મેરિટ લિસ્ટ જાહેર કરવામા આવ્યું છે. જે બાદ છેલ્લા બે દિવસથી ડીઆરસી શરૂ થઈ છે. જોકે, તેમાં યુ.જી.સી.(UGC)ની ગાઈડલાઈન મુજબ અનામત સીટોનુ રોટેશનના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. જેથી જે-તે વિષયોમાં ભરવાપાત્ર જગ્યાઓ સામે કેટેગરી મુજબ પ્રવેશ આપવો જોઈએ અન્યથા સમગ્ર ભરતી ગેરલાયક ઠરે.
યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયાની પહેલા જે-તે વિષયોમાં ભરવાપાત્ર જગ્યાઓ મુજબ પ્રવેશ આપવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે ગઈકાલે ઇતિહાસ ભવનમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના અંતિમ લિસ્ટમાં કુલ 6 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને યુનિવર્સિટીએ જાહેર કરેલા લિસ્ટમાં 7 જગ્યાઓ પ્રવેશ આપવા પાત્ર દર્શાવી હતી. તો આ એક સીટમાં કેમ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં ન આવ્યો? કે પછી પાછલા દરવાજે ઓળખીતાને ભરવા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે?
આ ઉપરાંત નિયમ મુજબ અંતિમ મેરિટ લિસ્ટ એટલે કે, પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના લિસ્ટમાં માર્ક્સ (એન્ટ્રેસ્ટ, મેરિટ, DRC) દર્શાવ્યા વગર જ મૂકવામાં આવ્યું. જેથી તે શંકા ઉપજાવે કે તે મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવ્યો નથી. યુનિવર્સિટીના ઠરાવોમાં થયેલા નિયમ મુજબ અંતિમ મેરિટ લિસ્ટ માર્ક્સ સાથે જાહેર કરવાનું થતું હોય જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓમાં અંતિમ લિસ્ટ બાદ વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવાનું થતું હોય છે. જેથી જૂન મહિનામાં કોઈ ગાઈડ પાસે ખાલી જગ્યાઓ પડી હોય તો આ ઉમેદવારોને બીજા તબક્કામાં તક મળી શકે. જોકે, અહીં નિયમ પાલન ન થયાનો આક્ષેપ કરાયો હતો.