ગુજરાત પ્રદેશ NSUIના સસ્પેન્ડેડ મંત્રી અને વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ આજે વિદ્યાર્થીઓને સાથે રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગંદકી, સફાઈ, ખરાબ રસ્તા અને જર્જરિત બસસ્ટોપ સહિતના પ્રશ્ને રજિસ્ટ્રારને ડસ્ટબીન આપી પ્રતિકાત્મક રીતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમને તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી અને જો કોઈ વિદ્યાર્થીઓને આ સમસ્યાઓના કારણે કોઈ નુકશાન થશે તો તે માટે જવાબદાર યુનિવર્સિટી રહેશે કહી સત્તાધીશોની હકાલપટ્ટી કરતા નહિ અચકાયનો દાવો કર્યો હતો.
વિદ્યાર્થીઓ માટેનું શૌચાલય જાણે શ્વાન માટે રહેણાક બની ગયું વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે, ખૂબ જ ગંદકીવાળુ વાતાવરણ થઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે. વિદ્યાર્થીઓ માટેનું શૌચાલય જાણે શ્વાન માટે રહેણાક બની ગયું હોય એવી હાલત છે. આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસમા પ્રવેશતાની સાથે જ ખાડાયુક્ત રોડ રસ્તા આવી જાય છે અને તેમાં ઘણા વાહનો રોંગ સાઇડમાં ચાલવાની ફરજ પણ પડે છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.