રાજકોટના વિદ્યાર્થીઓને હવે શિક્ષણની સાથે શૌર્ય, શિસ્ત અને સંસ્કારના પાઠ પણ ભણવા મળશે કારણ કે, રાજકોટ જિલ્લામાં પહેલીવાર સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈનિક સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે. આ સૈનિક સ્કૂલમાં ધો.6થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવશે.
ચાલુ સત્રથી જ આ સૈનિક સ્કૂલ શરૂ થવાની છે અને સંભવત સપ્ટેમ્બર સુધીમાં સૌથી પહેલા ધો.6માં 200 વિદ્યાર્થીની મેરિટના આધારે ફાળવણી કરવામાં આવશે. સૈનિક સ્કૂલના અનુસંધાને છેલ્લા એક વર્ષથી કેમ્પસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કર્યા છે.
રમતના મેદાનો, વ્યાયામ શાળા, ટેક્નોલોજિકલ સુવિધાઓ પણ રાષ્ટ્રીય ધારા-ધોરણ પ્રમાણેના બનાવ્યા છે.
દેશમાં કુલ 33 સૈનિક સ્કૂલ એવી છે જે સરકારી છે તેમાંથી ગુજરાતમાં એકમાત્ર બાલાચડી ખાતે આવેલી સૈનિક સ્કૂલ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 7 ખાનગી સૈનિક સ્કૂલ પણ કાર્યરત છે જેમાંથી 2 સૌરાષ્ટ્રમાં છે અને રાજકોટ જિલ્લામાં તાજેતરમાં જ સૌ પ્રથમ ભરાડ સૈનિક સ્કૂલને મંજૂરી મળી છે.
સૌરાષ્ટ્રના જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડનું સ્વપ્ન રહ્યું હતું કે, રાજકોટમાં એક સૈનિક સ્કૂલ હોવી જોઈએ. આ અંગે ટ્રસ્ટી જતિન ભરાડે જણાવ્યું કે, ભારત સરકાર દેશમાં એક સો સૈનિક સ્કૂલને મંજૂરી આપવાની છે. જેમાં ગુજરાતમાં સાત મંજૂર થઈ છે. તેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ સ્કૂલ છે.