સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના બીજા વર્ષના વિદ્યાર્થીઓએ સાયક્યાટ્રી વિષયમાં સિલેબસ બહારનું પેપર આપવામાં આવ્યું હોવાના આરોપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે 40 માર્ક્સના બદલે 80 માર્ક્સનું પેપર આપવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના પ્રશ્નો સિલેબસ બહારના હતા. પરિણામે, ટોપર વિદ્યાર્થીઓ સહિત અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવના કચેરીઓનો ઘેરાવ કર્યો અને તાળાબંધી કરી. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી અને માંગ કરી કે, સિલેબસ બહારના પેપરને માન્ય ન ગણવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક્સ આપવામાં આવે.
આ સમયે કુલપતિ ઉત્પલ જોશી ગેરહાજર હોવાથી ઇન્ચાર્જ કુલસચિવ ડૉ.રમેશ પરમાર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. સિલેબસ બહારનું પેપર કાઢ્યું હોવાથી વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે એવી માંગણી સાથે રામધૂન બોલાવવામાં આવી હતી અને યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ સહિતની કચેરીઓને તાળાબંધી પણ કરાઈ હતી.