રાજકોટ શહેરમાં નાના મવા સર્કલ પાસે આવેલા સિલ્વર હાઇટ્સની બાજુમાં પરિવારથી અલગ ભાડાના રૂમમાં રહેતી અને અભ્યાસ કરતી 24 વર્ષની યુવતી રાત્રિના 12.30 વાગ્યા આસપાસ અમીન માર્ગના ખૂણા પાસે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવતી છેલ્લા આઠ મહિનાથી પરિવારથી અલગ રૂમ ભાડે રાખીને રહે છે અને અભ્યાસ કરે છે. તેણીને એકલું લાગતું હોવાથી એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં આજરોજ બપોરના 2.30 વાગ્યા આસપાસ ઉર્મિલાબેન ધનજીભાઈ ખીમસુરીયા (ઉં.વ.30)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફીનાઇલ પી લેતા તેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉર્મિલાબેન સાથે રહેતા તેમના માસીના દીકરી પારૂલબેન બીપીનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉર્મિલાનો બોયફ્રેન્ડ હિતેશ કાનજી પાટડીયા અને હિતેશનો ભાઈ વિશ્વાસ કાનજી પાટડીયા અવારનવાર ઘરે આવીને તોડફોડ કરે છે અને ધમકીઓ આપે છે. આરોપીઓ બૂટલેગર હોવાથી પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. અવારનવાર ઘરે આવીને ધમકીઓ આપી જતા હોય અને પોલીસમાં અગાઉ પણ અનેક વખત અરજીઓ કરી હોય છતાં કોઈ પગલા ન લેતા કંટાળીને ફિનાઈલ પી લીધું હતું. બનાવ અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.