ધોરાજીમાં હિટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી તાલાલા ગીરની વિદ્યાર્થિની બસમાંથી ઊતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે પૂરપાટ વેગે ધસી આવતી બોલેરો કારે ટક્કર મારી દેતાં હિટ એન્ડ રનની ઘટનામાં અક્ષિતા જીવરાજભાઈ વાળાનું મોત નીપજ્યું છે.

ગીર સોમનાથના તાલાલા ગીર શહેરમાં રહેતી અક્ષિતા જીવરાજભાઈ વાળા (ઉં.વ.21)નામની યુવતી ઈવા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં વેકેશન પૂરું થતું હોવાથી ગઈકાલે(26 મે) પોતાના વતનમાંથી પરત સુપેડી બસમાં આવી હતી. યુવતી બસમાંથી ઊતરી હાઈવે પર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે તેને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને અકસ્માત સર્જી બોલેરો કારચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો.

આ દરમિયાન હાઈવે પર ફેમિલી સાથે પસાર થઈ રહેલી અન્ય કારના ચાલકે પોતાની કાર રોકી આ ઈજાગ્રસ્ત યુવતીને પોતાની કારમાં ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે જાણ થતાં ઉપલેટા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી કારચાલકને શોધવા કવાયત હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *