વેકેશનમાં બાળકોને સ્કૂલે બોલાવશો તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

આગામી તારીખ 9 જૂનના રોજ નવું સત્ર શરૂ થવાનું છે પરંતુ કેટલીક ખાનગી શાળાઓ વેકેશનમાં પણ વાલીઓ પાસેથી ફી વસૂલી શકે તે માટે વેકેશનમાં પણ અમુક ધોરણનું શિક્ષણ કાર્ય શરૂ કરી દે છે. જેના પગલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા રાજકોટ જિલ્લાની શાળાઓને મેસેજ કરીને સૂચના આપી છે કે વેકેશનમાં બાળકોને સ્કૂલે બોલાવશો તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

શાળાઓને આપેલી સૂચનામાં જણાવાયું છે કે, હાલ વેકેશન પડી ગયું હોવા છતાં ઘણી શાળામાં વિદ્યાર્થીનો અભ્યાસ શાળામાં ચાલુ છે અને ફ્રી યુનિફોર્મમાં બોલાવે છે એવી ફરિયાદો મળી છે. સંબંધિત શાળા ધ્યાન આપે અને વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે રજા જ રાખવાની છે. વેકેશનમાં તપાસ દરમિયાન જો શાળા ચાલુ જોવા મળશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરાયું છે. જે વિદ્યાર્થીઓ ધો.9 પાસ થયા તેમનું ધો.10નું શિક્ષણ અને જે વિદ્યાર્થી ધો.11 પાસ થયા તેમનું ધો.12નું શિક્ષણ વેકેશનમાં પણ ચાલે છે. શહેરની કેટલીક સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો માત્ર ફીના ઉઘરાણા કરવા માટે પરીક્ષા પૂર્ણ થયાના તરત જ અભ્યાસક્રમ ચાલુ કરી દે છે ત્યારે આ વિદ્યાર્થીઓ હજુ ચિંતામાંથી બહાર નીકળ્યા હોય ત્યાં જ તેને તરત જ સ્કૂલ ચાલુ કરી અને ફરી ચિંતામાં રહેવાનું કામ માત્ર ફીના ઉઘરાણા કરવા માટે થતું હોવાની રાવ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓને સ્કૂલ પર બોલાવવા સ્કૂલ મેનેજમેન્ટ સંમતિપત્રોમા વાલીઓની સહી કરાવવા દબાણ લાવી રહ્યાના શરમજનક કિસ્સાઓ સામે આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓની ધંધાકીય હરીફાઈ અને દેખાદેખીમા બાળકોને શિક્ષણના નામે માનસિક દબાણ વેઠવું ન પડે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સચોટ રીતે વેકેશનમાં શાળાઓ ચાલુ ન રહે તેવું સઘન ચેકિંગ કરવું જોઈએ અને જો ક્યાય નિયમભંગ થતો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ વાલીઓમાં ઉઠી છે. વાલીઓ કહે છે કે, બાળકોને વેકેશન માણવા દેવું જોઈએ, પછી આખું વર્ષ ભણવાનું જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *