દુકાનમાં માલનો ભરાવો, હવે દીપાવલીમાં સારા વેપારની આશા

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારમાં રમકડાં અને કપડાંની ખરીદી મુખ્ય રહેતી હોય છે. કપડાંની ખરીદી રક્ષાબંધનથી શરૂ થઈ જતી હોય છે અને મેળાના સ્ટોલમાંથી પણ રાજકોટવાસીઓ કપડાં ખરીદ કરતા હોય છે. જ્યારે રમકડાંના વેપારીઓ આખું વર્ષનો વેપાર સાતમ-આઠમમાં કરી લેતા હોય છે, પરંતુ આ વખતે તમામ વેપારીઓના ગણિત ખોટા પડ્યા. વેપારીઓએ દેશભરમાંથી મગાવેલો માલ વેચાયા વગરનો પડ્યો રહેતા દુકાનમાં માલનો ભરાવો થઇ ગયો. હવે ગણેશોત્સવ, નોરતાં અને દિવાળીમાં આ સ્ટોકનો નિકાલ થશે અને સારા વેપારની આશા સેવાઇ રહી છે. મેળો રદ થયો જેને કારણે રમકડાંની ખરીદી માત્ર 10 ટકા જ રહી. જ્યારે રોડ પર રમકડાંના સ્ટોલ પર માલને તાડપત્રીથી ઢાંકવા પડ્યા હતા.

મેળામાં છઠના દિવસે ઉદ્ધાટન થયા બાદ એ દિવસે થોડા-ઘણા લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને ખરીદી કરી હતી. ત્યારબાદ સાતમના દિવસે તો મેળામાં પાણી ભરાઈ જતા લોકોએ પણ જવાનું ટાળ્યું હતું. આમ છઠ સિવાય મેળામાંથી કોઈ પણ ચીજવસ્તુની ખરીદી થઇ નહોતી. તેમજ માલ પણ પલળી ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વરસાદને કારણેે સાતમ-આઠમમાં ખુલ્લી રહેતી ગુંદાવાડી શાક માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, બંગડી બજાર, સોની બજાર, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *