જેતપુર શહેરમાં નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ છે તો બીજી તરફ 18 વર્ષ ઉપરના વયસ્કોને રાજકોટ જવાનું ફરજિયાત બની ગયું છે જ્યારે પાંચ વર્ષથી ઉપરના લોકોના આધારકાર્ડના અપડેટમાં પણ ટેકનિકલ ખામીને કારણે રિજેક્શન થતું હોય લોકોને આધારકાર્ડ માટે રોજગાર ધંધા બંધ રાખી અપડેટ માટે કલાકો સુધી રાહ જોઇને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.
જેતપુરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ઝીરોથી પાંચ વર્ષના બાળકોના આધારકાર્ડ કાઢવામાં આવતા હતા. પરંતુ આધારકાર્ડ ઓપરેટરનું લાયસન્સ સસ્પેન્ડ થતા બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ. જેને કારણે સરકારની બાળકો માટેની જુદી જુદી યોજનાઓનો લાભ ખોરંભે પડી ગયો છે. વ્હાલી દીકરી યોજનામાં બાળકનું આધારકાર્ડ ફરજીયાત હોય વાલીઓ આધારકાર્ડ વગર આવા ફોર્મ ભરી શકતા નથી. જ્યારે પોસ્ટ ઓફીસ અને તાલુકા સેવાસદન ખાતે પાંચ વર્ષથી અઢાર વર્ષની ઉંમરના લોકો માટે આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. તેમાં છેલ્લા દસ દિવસથી ટેકનીકલ ખામી સર્જાતી હોવાથી મોટા ભાગના આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં અપડેશનની કામગીરી રિજેક્શન થાય છે. અઢાર વર્ષની ઉપરની વયના અને આધારકાર્ડથી વંચિત લોકો માટે આધારકાર્ડ કાઢવાની કામગીરી સરકારે તાલુકા કક્ષાએ બંધ કરી દીધી છે. જેથી તેમણે નાછૂટકે જિલ્લા મથકે રાજકોટ જવું પડે છે. જિલ્લા મથક જેતપુરથી 80 કિમી જેટલું દૂર હોય લોકોને ટીકીટ ભાડું ખર્ચી આધારકાર્ડ કઢાવવા આવવુ઼ પડે અને વારો આવે તો ઠીક બાકી એકાદ બે દિવસના ધક્કા પાક્કા! સરકારે આધારકાર્ડને દરેક યોજના સાથે જોડી તો દીધા પરંતુ નવા આધારકાર્ડ કઢાવવા માટે કિટ ન મુકતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પૂરતી કિટ અને ઓપરેટર મુકવા લોકોની માગણી છે.